Saturday, March 21, 2020

આપણે વાત કરવાની કળા ભૂલતા જઈએ છીએ!

દરેક પાસે જિંદગીને માણી શકાય એટલું તો હોય જ છે. આપણે જે હોય છે એને એન્જોય કરતા નથી અને જે નથી હોતું એની પાછળ દોડતા
રહીએ છીએ. દોડતી વખતે આપણે વચ્ચે થાક ખાવા રોકાઈએ છીએ. જેને થાક ખાવાની મજા આવે છે એને જ દોડવાનો ઉત્સાહ રહે છે. આપણે જે કંઈ હોઈએ, આપણે જે કંઈ મેળવ્યું હોય છે, એને આપણે કેટલું માણીએ છીએ? એક પતિ-પત્ની હતાં. બંનેએ લવમેરેજ કર્યાં હતાં. દાંપત્યજીવન પણ સરસ હતું. લગ્ન પછી પતિ આગળ ને આગળ વધતો જતો હતો. બધું એના વિચાર અને ઇચ્છા મુજબ ચાલતું હતું. ધીમે-ધીમે એ સફળતા પાછળ એવો દોડવા લાગ્યો કે, પત્ની અને ઘર તરફ તેનું ઓછું ધ્યાન રહેતું. એક દિવસ પત્નીએ સવાલ કર્યો.  આટલી બધી દોડધામ કેમ કરે છે? પતિએ જવાબ આપ્યો કે, આપણી પાસે છે એના કરતાં મારે ઘણું વધારે મેળવવું છે! પત્નીએ કહ્યું, પ્રેમમાં વધારો નથી કરવો? જો તેં બધું જ વધારે કરવાનું નક્કી કર્યું છે તો પ્રેમમાં વધારો કરવાનું પણ નક્કી કરને! આ ફરિયાદ નથી, ઇચ્છા છે! આપણો પ્રેમ તો ઘટતો જતો હોય એવું લાગે છે. તારી પાસે સાંનિધ્ય માટે સમય જ નથી! મારે પ્રેમ વધારવો છે, તું એમાં મને  સાથ આપીશ? પતિએ પત્નીની સામે જોયું. તેણે કહ્યું, આવો તો મને વિચાર જ નથી આવ્યો. તારી વાત સાચી છે. સારું થયું તેં મારું ધ્યાન દોર્યું. તને થોડા જ દિવસમાં મારામાં ચેન્જ લાગશે. આપણી જિંદગીમાં પણ આવું બનતું હોય છે. બેમાંથી એકનું ધ્યાન ક્યાંક બીજે  પરોવાઈ જાય છે. આપણે ત્યારે શું કરીએ છીએ? સીધા ઝઘડા કે નારાજગી પર પહોંચી જઈએ છીએ. તને હવે મારી કંઈ પડી નથી, મારા માટે તારી પાસે સમય જ નથી, બીજું મેળવવામાં તું મને ગુમાવી દઈશ. નક્કી કરી લે તારે કરવું છે શું? જ્યાં સંવાદ કરવાનો હોય ત્યાં આપણે સવાલો કરવા માંડીએ છીએ. સવાલ ન કરો, જવાબ શોધો, ઉકળાટ ન કરો, ઉકેલ મેળવો. માણસના દુ:ખનું સૌથી મોટું કારણ સમજણનો અભાવ જ હોય છે. આપણે જે જોઈતું હોય છે એના માટે આપણે મરણિયા થઈ જઈએ છીએ. હવે તો આ પાર કે પેલે પાર એવું નક્કી કરી લઈએ છીએ. આપણા મન અને મગજમાં ઉશ્કેરાટ છવાઈ જાય છે. તમને કોઈ પ્રોબ્લેમ છે, તો વાત કરો. તમને કોઈ મૂંઝવણ  છે તો દિલને ખુલ્લું મૂકો. આપણે વાત કરવાની કળા ભૂલતા જઈએ છીએ!

સમયનું ચક્ર ઘડિયાળના કાંટા સાથે

આજની તારીખ એ આવતી કાલની તવારીખ છે. સમયનું ચક્ર ઘડિયાળના કાંટા સાથે ફરતું રહે છે. દરેક ક્ષણ નવો શ્વાસ લઈને આવે
છે.  આપણામાં કંઈક ઉમેરાતું રહે છે. થોડુંક ઠલવાતું પણ રહે છે. ક્યારેક કંઈક દિલમાં કાયમ માટે સચવાઈ જાય છે, તો ક્યારેક કંઈક આંખમાંથી આંસુ બનીને વહી જાય છે. દરરોજ આપણી જિંદગીમાં થોડો થોડો ભૂતકાળ ઉમેરાતો જાય છે. અનુભવો, યાદો, સ્મરણો, હૂંફ,  તિરસ્કાર, ઝઘડા, નારાજગી, ઉદાસી, એકાંત, એકલતા, સાંનિધ્ય, સુખ, વેદના, વલોપાત, આશા, હતાશા, પ્રેમ, નફરતની કથાઓ જિંદગીમાં ઉમેરાતી જાય છે. દિલ અને દિમાગ વચ્ચે કશ્મકશ ચાલતી રહે છે. સારા અને નરસાના હિસાબો મંડાતા રહે છે. ફાયદા અને  નુકસાનની ગણતરીઓ થતી રહે છે. સુખ અને દુ:ખના વિચારો આવતા રહે છે. હરીફરીને થોડાક સવાલ પેદા થાય છે કે, હું ક્યાં છું? હું શું  છું? હું જે કરું છું એ બરાબર તો છે ને? મેં જે માર્ગ પકડ્યો છે એ સાચો તો છે ને?
માર્ગ સાચો હતો કે ખોટો એ તો મંજિલ આવે ત્યારે ખબર પડે! ઘણી વખત તો એવો પણ વિચાર આવે છે કે, મંજિલે પહોંચાશે તો ખરું ને? ક્યારેક કંઈક સાર્થક થાય ત્યારે એવો પણ વિચાર આવી જાય છે કે, આ મંજિલ છે કે એ મુકામ છે? એક યુવાનની આ વાત છે. નાનો હતો ત્યારે આંખમાં થોડાંક સપનાઓ આંજી રાખ્યાં હતાં. જિંદગીમાં આટલું તો કરવું જ છે. કરિયર, ઘર, જીવનસાથી સહિત અનેક સપનાંઓ તેણે સેવ્યાં હતાં. થયું એવું કે, નાની ઉંમરમાં જ તેનાં બધાં સપનાં સાકાર થઈ ગયાં. અભ્યાસમાં સારા માર્ક્સ આવ્યા. સારા પગારની નોકરી મળી ગઈ. ઘરનું ઘર પણ થઈ ગયું. પ્રેમ કરે એવી જીવનસાથી પણ મળી ગઈ. સમાજમાં સારી એવી પ્રતિષ્ઠા પણ મળવા લાગી. અચાનક એને થયું કે, મેં વિચાર્યું હતું એ બધું તો થઈ ગયું, હવે શું? એ ડિસ્ટર્બ થઈ ગયો. પોતાની મૂંઝવણનું માર્ગદર્શન મેળવવા એ એક  ફિલોસોફર પાસે ગયો. યુવાને પોતાની બધી વાત કરી. છેલ્લે સવાલ કર્યો કે, મેં ધાર્યું હતું, મેં કલ્પ્યું હતું અને મેં જે ઇચ્છ્યું હતું એ બધું તો મને મળી ગયું, હવે મારે શું કરવું? ફિલોસોફરે કહ્યું, તારી પાસે બે રસ્તા છે. એક તો જે છે એને એન્જોય કર! બીજો રસ્તો એ છે કે, તારા સપનાને વિશાળ કરી દે. સપનાં સર્જવાં એ તો આપણા હાથની વાત છે. કદાચ તારે હજુ કંઈક કરવાનું હશે! ધ્યાન માત્ર એટલું જ રાખજે કે, સપનાને વિશાળ કરવામાં અને એ સપનાને પૂરું કરવામાં તું તારી પાસે જે છે એને એન્જોય કરવાનું ભૂલી ન જતો!